આંગળી પકડી ચાલતા શીખવ્યું,
હાથ જોડી પ્રાર્થના શીખવી,
ખેતરે એ જતી, થાકી ને એ આવતી,
દુનિયાભરનું કામ જાણે મેં કર્યું હોય
એમ પોતાના હાથથી મને ખવડાવતી...
એના ગમતા સાડલાનું પણ
પારણું મને બનાવી આપતી,
પ્રેમભર્યાં કર્કશ અવાજમાં
હાલરડું પણ ગઈ સંભળાવતી
થાકેલા હાથથી ઝૂલાય ઝૂલાવતી...
નાના હાથને કામ શીખવવા,
સંસારની જવાબદારીઓ સમજાવવા,
મારા માથે ચારનો ભારોય મૂકતી,
કાંટો મને વાગતો,
ને આંસુ એ એના લુછતી...
મારી ભૂલો તો જાણે
કદી મારા ખાતે લખાઈ જ નઈ,
મારવા હારું કોઈનો હાથ ઉઠે
એ પેહલાં જ એનો હૂંફભર્યો પાલવ
મારા તને લપેટાઈ જતો...
હાથમાં કડછી ઝાલવી ન ગમતી,
"ઘરડાં હાથને મદદ કરને,"
કહીને ચૂલે બેસાડતી,
સાસરાનો ભય આપી,
રાંધતાંય શીખવાડતી...
ખબર જ ન પડી
કે ક્યારે એ જીવતીજાગતી
મારી દયાળુ "કાશી" માંથી
જાંબલી કોફીનમાં ફૂલોથી શણગારેલી,
એક લાશ બની ગઈ....
જીવનભર બે વસ્તુ કદી ન દીઠી
મારી જીવતી કાશી નો ગુસ્સો
ને મારી જીવતી કાશીનું છેલ્લું સ્મિત,
અભાગી હું કે છેલ્લી ઘડીએ,
મારા પર જીવ વેરનારી
મારી કાશી મને જ ભૂલી ગઈ....
-જૈવિકા ડાભી