Monday, 3 April 2017

કાકા



નથી મારાથી એ કદી કહેવાયું કદાચ,
કે એણેય લીધી છે મારી ભાળ.

નથી મારાથી એ કદી જોવાયું કદાચ,
કે એણેય હૂંફભર્યો દીધો છે મારા માથે હાથ.

નથી મારાથી એ કદી અનુભવાયું કદાચ,
કે એણેય પીડાં સહી છે મારા આંસુ કાજ.

નથી મારાથી એ કદી સમજાયું કદાચ,
કે એણેય મારી ખુશી માટે કરી છે જમાપૂંજી ખર્ચ.

નથી મારાથી એ કદી વિચારાયું કદાચ,
કે એય પિતાના પ્રતિબિંબ સમો
અનુપમ પ્રેમાળ, અપાર ઉદાર
સાહસિક રક્ષક, કડક મિજાજી 
પણ ખૂબ સાદગીભર્યો, છે એ માણસ ખાસ.



- જૈવિકા ડાભી

Monday, 27 February 2017

પૂજા


હતી એક નવી દુનિયામાં
જ્યાં લોકોથી હું હતી અજાણ,
હતી નવા રસ્તાની ભાળમાં
ત્યાં થઇ એક વ્યક્તિની જાણ...

હસમુખી એ સ્વભાવે
ઉડતું પતંગિયું જાણે ભીડમાં,
પોતા પહેલાં સૌનું વિચારે
ખુશ થતી માત્ર એમાં...

ક્યારેક સહેલી બની
તો બની એ ક્યારેક માં,
ડગલે ડગલે સાથે રહી
સાથ દીધો તડકી છાંયડીમાં...

થયા ઘણાં મતભેદ-મનભેદ
ને કસોટીઓ લેવાઈ ઘણી,
પણ આજે ઉરે નથી કોઈ ખેદ
છેવટે એનાથી જ મિત્રતા ગાઢ બની...

અંધારામાં પણ જ્યોત બની
છે રાહ એણે મને બતાવી,
આશા નિરાશામાં હસતાં શિખવાડતી
એવી છે આ નટખટ પૂજા મારી...

- જૈવિકા ડાભી

Wednesday, 18 January 2017

એક રાત!

આખા દિ નો હતો
ભરપૂર એ થાકેલો,
કને મારી આવી
આંખો મીંચી પોઢેલો.

નિહાળતી રહી નજરો મારી
એકીટસે એને ઘડીભર,
રાહત હતી એના એ
થાક ઉતારતા મુખ પર.

એ શાંતિમાં પણ
જાણે ઊર્જા હતી કોઈ,
કાયા એની સ્પર્શવા
જાણે આકર્ષતી હોય.

હતું કંઈક નશા સમું
એ ઠંડી હવામાં,
લાગણીના મોજામાં તરતી
મારી આત્મા એના પ્રેમમાં.

આંગળીઓ ફરી મારી
એના અપૂર્વ ચેહરા પર,
હળવું એક ચુંબન કર્યું
નરમ એના અધર પર.

મારી અંધારી એ ઓરડીમાં
હળવી રોશની પથરાઈ,
જયારે એ નિરવ રાતે
ચાંદલિયાની ચાંદની વિખરાઈ.