કોણજાણે કેટલા દિવસોથી ગરમીનો પ્રકોપ સહન કરીને પણ પંખીઓ ગગનમાં પોતાનો રસ્તો ખેડતા હતાં. શરીરમાંથી આ કારમી ગરમીએ બધી તાકાત ચૂસી લીધી હોય તેમ પ્રાણીઓ પણ છાંયડામાં ક્યાંક ક્યાંક પોતાનો વિસામો શોધી એકીટસે બેસી જ રેહતા હતાં. ને લોકો...!! આ લોકોનું તો હવે શું કેહવું...!! આ તાપથી બચવા દુનિયાભરની અનેક નવી તકનીકો અપનાવી ચૂક્યા હતાં...ને આ બધાંને રાહત આપનારા સૌના મિત્રો એવા વૃક્ષો પણ જાણે ઈશ્વરનો આદેશ માનતા હોય તેમ ગરમીમાં પણ અડીખમ ઊભાં રહીને સૌનું રક્ષણ કરતાં.
પરંતુ આજે હવે એ જ પંખીડા પોતાની પાંખો ફેલાવીને જાણે આ મેહુલાને આવકારી રહ્યાં છે. પ્રાણીઓ પોતાની તાકાત ફરી પાછી મેળવવા આશીર્વાદ સમાં વરસાદના પાણીમાં ભીંજાઈ રહ્યા છે. માણસો રોજના જીવનની કચકચ વીસરીને રસ્તાઓ પર વર્ષાઋતુનો પેહલો વરસાદ માણવા ઉમટી પડયા છે. ગાડીઓ પર તો ગાડીઓ પર ચ્હાની કીટલીએ જઈને ચ્હાની ચૂસકી માણી રહ્યા છે. ને ઘણાં મારી જેમ ઘરમાં જ રહીને આ આહલાદ્ક દ્રશ્યનો આનંદ લઇ પોતાના જીવને સંતોષી રહ્યાં છે.
બધાંય ઝાડવા જાણે પોતાના કામથી છૂટ્યા હોય ને ગરમીમાં થાકીને હારી ચૂક્યા હોય તેમ આ વાદળાના ગરજાટે ને મેહુલાના તાલે ઝૂમી ઉઠયા છે...!!
દૂર દૂર સુધી વરસાદનાં પાણીથી શાંતિના શ્વાસ લેવાઈ રહ્યા છે ને સર્વત્રે ખુશી ની રેલમછેલ થઇ રહી છે.
આ જ તો છે જીવન, અંધકાર પછી અજવાળું, દુઃખ પછી સુખ, અશ્રુઓ પછી સ્મિત ને... ને ઊનાળાની ગરમી પછી વરસાદની ટાઢક...!!
- જૈવિકા ડાભી
No comments:
Post a Comment