Saturday 27 August 2016

ક્યારેક

દરિયામાં એ સફરની બીક
          તને પણ છે ને મને પણ,
એકબીજાનો જો છે સાથ
          તો પાર કરી લઈશું એનેય ક્યારેક...

સૂરમયી કવિતાના સૂર ચૂક્યાં
          તારા પણ ને મારા પણ,
શબ્દો કંઈક નવા લખીએ
          તો સૂર એનાય બદલાશે ક્યારેક...

જોતરેલા એ તાંતણા વીખરાયાં
          તારા પણ ને મારા પણ,
હિંમત જો એકબીજાની મળશે
          તો સંબંધ એક નવો હશે ક્યારેક...

અધૂરી રહી છે એ કહાણી
           તારી પણ ને મારી પણ,
કલમ જો તું મારી બને
           તો પૂરી કરી લઈશું એનેય ક્યારેક...

મંજિલ પહેલાં જ ફાંટા પડ્યાં
           તારા પણ ને મારા પણ,
ચાલ, ચાર ડગ સાથે માંડીએ
           તો રસ્તો નવો જડી જશે ક્યારેક...

- જૈવિકા ડાભી 


Friday 26 August 2016

ઘડીભર

ધખધખતાં તડકામાં વૃક્ષની છાંયડી સમો તું,
હશે, ઘડીભર વિસામો લઇ લે તું...

બેકાબુ વાવંટોળમાં અડીખમ ડુંગર સમો તું,
હશે, ઘડીભર થાક ખાઈ લે તું...

સૂકી ધરા પર ઝાકળનાં બિંદુ સમો તું,
હશે, ઘડીભર થંભી જ તું...

અતિવૃષ્ટિમાં એકમાત્ર છાપરાં સમો તું,
હશે, ઘડીભર શ્વાસ લઇ લે તું...

ઘોર અંધારામાં દીપકની જ્યોતિ સમો તું,
હશે, ઘડીભર આરામ કરી લે તું...

ક્યાં લગી આમ ઢાલનું કામ કરીશ તું?
તારામાં પણ જીવ છે, પોતાની ખુશી ખાતર,
ઘડીભર પોતાના માટે સમય વિતાવી લે તું...

- જૈવિકા ડાભી 

Monday 8 August 2016

આજે પણ...!

આકાશમાં વાદળાં છવાઈ ગયા છે,
ઠંડો વાયરો આમતેમ દોડી રહ્યો છે,
ઝાડનું એક એક પાંદડું રણકી રહ્યું છે, 
નદીનું પાણી ખળખળ વહી રહ્યું છે, 

ને હું આજે પણ એ જ કિનારે બેઠી છું...

રોજ રોજ આ કિનારે  બેસીને 
બીજું કઈ નહિ,
બસ એની એક ઝલક દેખાઈ જાય છે...

પરંતુ એ મને આજે પણ નથી જોઈ શકતો...

કારણકે એ દિવસે ડૂબી ગયેલી
એની નાવડી,
એને પાણીમાં પગ મૂકતાં 
આજે પણ ડગમગાવી દે છે...

ને એ વીતી ગયેલી ઘટનાએ 
આજે પણ બે કિનારાને તો દૂર,
બે નજરોને પણ 
મળવા નથી દીધી...

- જૈવિકા ડાભી 

Tuesday 2 August 2016

ફરક

તે દિવસે મને ગળે ડૂમો બાઝી ગયો હતો,
પરંતુ આંખમાંથી આંસુ નહોતા નીકળ્યા.
છતાંય એણે મારા અંતરમનનું રુદન સાંભળી લીધું.
ને એકેય ક્ષણ ચૂક્યા વગર તરત જ 
મારી પાસે આવીને એ મને ગળે વળગી પડયો.

નયનમાંથી અશ્રુધારા વહી રહી...
ને ત્યાં જ એક છેલ્લા ડૂસકા સાથે 
મારું મન સાવ શાંત થઇ ગયું.

એના એ હૃદયના ધબકારા
એ ક્ષણે જાણે મને ચીસ પાડીને 
કહી ગયા...  

કે જેટલાં આંસુ મારી આંખમાંથી સર્યા 
એનાથી અનેક ગણી પીડા 
એને થઇ રહી હતી....

મારા એ દુઃખોમાં 
હું એની પીડાનું એ દર્દ ન અનુભવી શકી,

કે પછી એણે મને એનો અનુભવ ન થવા દીધો...

બસ આટલો જ ફરક હતો અમારા બંનેમાં...
 -જૈવિકા ડાભી