Thursday, 5 March 2020

My Man

   I remember that day when we went on that unplanned trip. We were supposed to go for a fancy lunch but you ended up finding a fun adventure small trek, convinced me ofcourse. I was so scared but passing through the massive woods & wildlife you made sure that I am fine. Capturing every moment in your tiny gopro we went ahead to our destination. The trek indeed was scary but you were right behind me and I was okay. And just like you said, after an hour of trek; there we were, standing at the most peaceful and gorgeous place on top of that hill. Holding our breath we stood there quietly for a while just looking at the sight. We set on a rock silently, in that moment I wanted to tell you so many things. But I was so complete, I was whole in that moment that all I could say was, "I love you." I wanted to scream those words so loudly that they would sound thousand times more intense with that echo. You held my hand looked into my eyes and just smiled probably thinking that how crazy I am for you. I lived that moment, I felt that emotion and I was in love with you all over again. I did not want to miss us so I clicked our pictures, the cutest ones. Oh boy, I still have them and I still can't keep my eye off of us. For now that's all I have, for now that's all you left for me.

- Jaivika Dabhi

Monday, 3 April 2017

કાકા



નથી મારાથી એ કદી કહેવાયું કદાચ,
કે એણેય લીધી છે મારી ભાળ.

નથી મારાથી એ કદી જોવાયું કદાચ,
કે એણેય હૂંફભર્યો દીધો છે મારા માથે હાથ.

નથી મારાથી એ કદી અનુભવાયું કદાચ,
કે એણેય પીડાં સહી છે મારા આંસુ કાજ.

નથી મારાથી એ કદી સમજાયું કદાચ,
કે એણેય મારી ખુશી માટે કરી છે જમાપૂંજી ખર્ચ.

નથી મારાથી એ કદી વિચારાયું કદાચ,
કે એય પિતાના પ્રતિબિંબ સમો
અનુપમ પ્રેમાળ, અપાર ઉદાર
સાહસિક રક્ષક, કડક મિજાજી 
પણ ખૂબ સાદગીભર્યો, છે એ માણસ ખાસ.



- જૈવિકા ડાભી

Monday, 27 February 2017

પૂજા


હતી એક નવી દુનિયામાં
જ્યાં લોકોથી હું હતી અજાણ,
હતી નવા રસ્તાની ભાળમાં
ત્યાં થઇ એક વ્યક્તિની જાણ...

હસમુખી એ સ્વભાવે
ઉડતું પતંગિયું જાણે ભીડમાં,
પોતા પહેલાં સૌનું વિચારે
ખુશ થતી માત્ર એમાં...

ક્યારેક સહેલી બની
તો બની એ ક્યારેક માં,
ડગલે ડગલે સાથે રહી
સાથ દીધો તડકી છાંયડીમાં...

થયા ઘણાં મતભેદ-મનભેદ
ને કસોટીઓ લેવાઈ ઘણી,
પણ આજે ઉરે નથી કોઈ ખેદ
છેવટે એનાથી જ મિત્રતા ગાઢ બની...

અંધારામાં પણ જ્યોત બની
છે રાહ એણે મને બતાવી,
આશા નિરાશામાં હસતાં શિખવાડતી
એવી છે આ નટખટ પૂજા મારી...

- જૈવિકા ડાભી

Wednesday, 18 January 2017

એક રાત!

આખા દિ નો હતો
ભરપૂર એ થાકેલો,
કને મારી આવી
આંખો મીંચી પોઢેલો.

નિહાળતી રહી નજરો મારી
એકીટસે એને ઘડીભર,
રાહત હતી એના એ
થાક ઉતારતા મુખ પર.

એ શાંતિમાં પણ
જાણે ઊર્જા હતી કોઈ,
કાયા એની સ્પર્શવા
જાણે આકર્ષતી હોય.

હતું કંઈક નશા સમું
એ ઠંડી હવામાં,
લાગણીના મોજામાં તરતી
મારી આત્મા એના પ્રેમમાં.

આંગળીઓ ફરી મારી
એના અપૂર્વ ચેહરા પર,
હળવું એક ચુંબન કર્યું
નરમ એના અધર પર.

મારી અંધારી એ ઓરડીમાં
હળવી રોશની પથરાઈ,
જયારે એ નિરવ રાતે
ચાંદલિયાની ચાંદની વિખરાઈ.

Friday, 2 December 2016

'હની'



એને મળીયે સમય ઝાઝો થઇ ગયો છે,
કદાચ હું બદલાઈ છું, એવું એને લાગે છે.

એની સાથે ફૉન પર ક્યારેક વાત થઇ જાય છે,
એની કાલી ભાષાનું 'ફોઈ' બહું મીઠું લાગે છે.

એ મારા જેવા દેખાવાના ખૂબ પ્રયત્ન કરે છે,
એના એ જ ચંચળ નખરા મને ખૂબ ગમે છે.

એણે અમારા જીવનમાં ખુશી ફેલાવી દીધી છે,
આજે મારી 'હની' એક વર્ષ મોટી થઇ ગઈ છે.


- જૈવિકા ડાભી

Thursday, 6 October 2016

નજર

ક્યારેક માંગણી નથી હોતી ઝાઝી,
એ એક પ્રેમભરી નજર જ બસ છે...

ભ્રમ છે કે સ્પર્શથી તન-મન મોહાય,
ક્યારેક એક નટખટ નજર જ બસ છે...

શબ્દો ક્યારેક વણકહ્યા જ સારા,
એ નજર નજરમાં વાંચવું જ બસ છે...

હંમેશાં કર્મથી જ આદર ન કરાય,
ક્યારેક એ સન્માનભરી નજર જ બસ છે...

યાદોથી આખું જીવન વીતી જાય,
એ એક વિશ્વાસભરી નજર જ બસ છે...



-જૈવિકા ડાભી


Saturday, 27 August 2016

ક્યારેક

દરિયામાં એ સફરની બીક
          તને પણ છે ને મને પણ,
એકબીજાનો જો છે સાથ
          તો પાર કરી લઈશું એનેય ક્યારેક...

સૂરમયી કવિતાના સૂર ચૂક્યાં
          તારા પણ ને મારા પણ,
શબ્દો કંઈક નવા લખીએ
          તો સૂર એનાય બદલાશે ક્યારેક...

જોતરેલા એ તાંતણા વીખરાયાં
          તારા પણ ને મારા પણ,
હિંમત જો એકબીજાની મળશે
          તો સંબંધ એક નવો હશે ક્યારેક...

અધૂરી રહી છે એ કહાણી
           તારી પણ ને મારી પણ,
કલમ જો તું મારી બને
           તો પૂરી કરી લઈશું એનેય ક્યારેક...

મંજિલ પહેલાં જ ફાંટા પડ્યાં
           તારા પણ ને મારા પણ,
ચાલ, ચાર ડગ સાથે માંડીએ
           તો રસ્તો નવો જડી જશે ક્યારેક...

- જૈવિકા ડાભી 


Friday, 26 August 2016

ઘડીભર

ધખધખતાં તડકામાં વૃક્ષની છાંયડી સમો તું,
હશે, ઘડીભર વિસામો લઇ લે તું...

બેકાબુ વાવંટોળમાં અડીખમ ડુંગર સમો તું,
હશે, ઘડીભર થાક ખાઈ લે તું...

સૂકી ધરા પર ઝાકળનાં બિંદુ સમો તું,
હશે, ઘડીભર થંભી જ તું...

અતિવૃષ્ટિમાં એકમાત્ર છાપરાં સમો તું,
હશે, ઘડીભર શ્વાસ લઇ લે તું...

ઘોર અંધારામાં દીપકની જ્યોતિ સમો તું,
હશે, ઘડીભર આરામ કરી લે તું...

ક્યાં લગી આમ ઢાલનું કામ કરીશ તું?
તારામાં પણ જીવ છે, પોતાની ખુશી ખાતર,
ઘડીભર પોતાના માટે સમય વિતાવી લે તું...

- જૈવિકા ડાભી 

Monday, 8 August 2016

આજે પણ...!

આકાશમાં વાદળાં છવાઈ ગયા છે,
ઠંડો વાયરો આમતેમ દોડી રહ્યો છે,
ઝાડનું એક એક પાંદડું રણકી રહ્યું છે, 
નદીનું પાણી ખળખળ વહી રહ્યું છે, 

ને હું આજે પણ એ જ કિનારે બેઠી છું...

રોજ રોજ આ કિનારે  બેસીને 
બીજું કઈ નહિ,
બસ એની એક ઝલક દેખાઈ જાય છે...

પરંતુ એ મને આજે પણ નથી જોઈ શકતો...

કારણકે એ દિવસે ડૂબી ગયેલી
એની નાવડી,
એને પાણીમાં પગ મૂકતાં 
આજે પણ ડગમગાવી દે છે...

ને એ વીતી ગયેલી ઘટનાએ 
આજે પણ બે કિનારાને તો દૂર,
બે નજરોને પણ 
મળવા નથી દીધી...

- જૈવિકા ડાભી 

Tuesday, 2 August 2016

ફરક

તે દિવસે મને ગળે ડૂમો બાઝી ગયો હતો,
પરંતુ આંખમાંથી આંસુ નહોતા નીકળ્યા.
છતાંય એણે મારા અંતરમનનું રુદન સાંભળી લીધું.
ને એકેય ક્ષણ ચૂક્યા વગર તરત જ 
મારી પાસે આવીને એ મને ગળે વળગી પડયો.

નયનમાંથી અશ્રુધારા વહી રહી...
ને ત્યાં જ એક છેલ્લા ડૂસકા સાથે 
મારું મન સાવ શાંત થઇ ગયું.

એના એ હૃદયના ધબકારા
એ ક્ષણે જાણે મને ચીસ પાડીને 
કહી ગયા...  

કે જેટલાં આંસુ મારી આંખમાંથી સર્યા 
એનાથી અનેક ગણી પીડા 
એને થઇ રહી હતી....

મારા એ દુઃખોમાં 
હું એની પીડાનું એ દર્દ ન અનુભવી શકી,

કે પછી એણે મને એનો અનુભવ ન થવા દીધો...

બસ આટલો જ ફરક હતો અમારા બંનેમાં...
 -જૈવિકા ડાભી