Friday 2 December 2016

'હની'



એને મળીયે સમય ઝાઝો થઇ ગયો છે,
કદાચ હું બદલાઈ છું, એવું એને લાગે છે.

એની સાથે ફૉન પર ક્યારેક વાત થઇ જાય છે,
એની કાલી ભાષાનું 'ફોઈ' બહું મીઠું લાગે છે.

એ મારા જેવા દેખાવાના ખૂબ પ્રયત્ન કરે છે,
એના એ જ ચંચળ નખરા મને ખૂબ ગમે છે.

એણે અમારા જીવનમાં ખુશી ફેલાવી દીધી છે,
આજે મારી 'હની' એક વર્ષ મોટી થઇ ગઈ છે.


- જૈવિકા ડાભી

Thursday 6 October 2016

નજર

ક્યારેક માંગણી નથી હોતી ઝાઝી,
એ એક પ્રેમભરી નજર જ બસ છે...

ભ્રમ છે કે સ્પર્શથી તન-મન મોહાય,
ક્યારેક એક નટખટ નજર જ બસ છે...

શબ્દો ક્યારેક વણકહ્યા જ સારા,
એ નજર નજરમાં વાંચવું જ બસ છે...

હંમેશાં કર્મથી જ આદર ન કરાય,
ક્યારેક એ સન્માનભરી નજર જ બસ છે...

યાદોથી આખું જીવન વીતી જાય,
એ એક વિશ્વાસભરી નજર જ બસ છે...



-જૈવિકા ડાભી


Saturday 27 August 2016

ક્યારેક

દરિયામાં એ સફરની બીક
          તને પણ છે ને મને પણ,
એકબીજાનો જો છે સાથ
          તો પાર કરી લઈશું એનેય ક્યારેક...

સૂરમયી કવિતાના સૂર ચૂક્યાં
          તારા પણ ને મારા પણ,
શબ્દો કંઈક નવા લખીએ
          તો સૂર એનાય બદલાશે ક્યારેક...

જોતરેલા એ તાંતણા વીખરાયાં
          તારા પણ ને મારા પણ,
હિંમત જો એકબીજાની મળશે
          તો સંબંધ એક નવો હશે ક્યારેક...

અધૂરી રહી છે એ કહાણી
           તારી પણ ને મારી પણ,
કલમ જો તું મારી બને
           તો પૂરી કરી લઈશું એનેય ક્યારેક...

મંજિલ પહેલાં જ ફાંટા પડ્યાં
           તારા પણ ને મારા પણ,
ચાલ, ચાર ડગ સાથે માંડીએ
           તો રસ્તો નવો જડી જશે ક્યારેક...

- જૈવિકા ડાભી 


Friday 26 August 2016

ઘડીભર

ધખધખતાં તડકામાં વૃક્ષની છાંયડી સમો તું,
હશે, ઘડીભર વિસામો લઇ લે તું...

બેકાબુ વાવંટોળમાં અડીખમ ડુંગર સમો તું,
હશે, ઘડીભર થાક ખાઈ લે તું...

સૂકી ધરા પર ઝાકળનાં બિંદુ સમો તું,
હશે, ઘડીભર થંભી જ તું...

અતિવૃષ્ટિમાં એકમાત્ર છાપરાં સમો તું,
હશે, ઘડીભર શ્વાસ લઇ લે તું...

ઘોર અંધારામાં દીપકની જ્યોતિ સમો તું,
હશે, ઘડીભર આરામ કરી લે તું...

ક્યાં લગી આમ ઢાલનું કામ કરીશ તું?
તારામાં પણ જીવ છે, પોતાની ખુશી ખાતર,
ઘડીભર પોતાના માટે સમય વિતાવી લે તું...

- જૈવિકા ડાભી 

Monday 8 August 2016

આજે પણ...!

આકાશમાં વાદળાં છવાઈ ગયા છે,
ઠંડો વાયરો આમતેમ દોડી રહ્યો છે,
ઝાડનું એક એક પાંદડું રણકી રહ્યું છે, 
નદીનું પાણી ખળખળ વહી રહ્યું છે, 

ને હું આજે પણ એ જ કિનારે બેઠી છું...

રોજ રોજ આ કિનારે  બેસીને 
બીજું કઈ નહિ,
બસ એની એક ઝલક દેખાઈ જાય છે...

પરંતુ એ મને આજે પણ નથી જોઈ શકતો...

કારણકે એ દિવસે ડૂબી ગયેલી
એની નાવડી,
એને પાણીમાં પગ મૂકતાં 
આજે પણ ડગમગાવી દે છે...

ને એ વીતી ગયેલી ઘટનાએ 
આજે પણ બે કિનારાને તો દૂર,
બે નજરોને પણ 
મળવા નથી દીધી...

- જૈવિકા ડાભી 

Tuesday 2 August 2016

ફરક

તે દિવસે મને ગળે ડૂમો બાઝી ગયો હતો,
પરંતુ આંખમાંથી આંસુ નહોતા નીકળ્યા.
છતાંય એણે મારા અંતરમનનું રુદન સાંભળી લીધું.
ને એકેય ક્ષણ ચૂક્યા વગર તરત જ 
મારી પાસે આવીને એ મને ગળે વળગી પડયો.

નયનમાંથી અશ્રુધારા વહી રહી...
ને ત્યાં જ એક છેલ્લા ડૂસકા સાથે 
મારું મન સાવ શાંત થઇ ગયું.

એના એ હૃદયના ધબકારા
એ ક્ષણે જાણે મને ચીસ પાડીને 
કહી ગયા...  

કે જેટલાં આંસુ મારી આંખમાંથી સર્યા 
એનાથી અનેક ગણી પીડા 
એને થઇ રહી હતી....

મારા એ દુઃખોમાં 
હું એની પીડાનું એ દર્દ ન અનુભવી શકી,

કે પછી એણે મને એનો અનુભવ ન થવા દીધો...

બસ આટલો જ ફરક હતો અમારા બંનેમાં...
 -જૈવિકા ડાભી

Wednesday 15 June 2016

પપ્પા





મેહનત ખાતર જન્મ્યો જાણે,
બીજા હારું વૈતરું કર્યું જેણે...

ગરીબી એના જીવનનું સત્ય,
પણ બુદ્ધિ ને ધગશ એ એનું ચારિત્ર્ય...

ઘરમાં એ સૌથી મોટો દીકરો,
જવાબદારીઓ માટે નહોતો એ બેફીકરો...

નસીબ પલટવા નીકળ્યો એ વણઝારો,
ને એની જીવનસાથીએ સાથ દીધો સારો...

અપાર પરિશ્રમ ને પ્રેમથી પરિવાર જોડયું,
ને એની ખુશી માટે પોતાનું શમણું તોડયું...

ભણતર સાથે જીવનનો પાઠ શીખવ્યો,
ને ઘણા બાળકોનો ઉધ્ધાર આણ્યો...

સેવા કરી કરી ને આજે ટોચ પર બેઠો,
તોય કદી માથે ઘમંડ ન દીઠો...

ફરી આજે એના જન્મ્યાની ખુશી છે,
કે જે એ વ્હાલી વ્યક્તિ મારા પિતા છે...



- જૈવિકા ડાભી



Tuesday 31 May 2016

વિચાર

હતો એ ફક્ત વિચાર માત્ર,
કે શું છું હું તારા પાત્ર...??!

શબ્દોને વિચારમાં મૂકતાં હિચખીચાઈ,
ને અંતરમનમાં સાધારણ કંપારી વર્તાઈ...

કમનેય બોલતા તો બોલાઈ ગયું...
ને ભાલારુપ વાણીથી એનું હૈયું ચીંધાઈ ગયું...

જાણીતાને ને અજાણ્યો કરી નાખ્યો
એ એક વિચારે સંબંધ બદલી નાખ્યો...

નફરતે  પ્રેમની ઠેકડી ઉડાડી દીધી,
એ એક વિચારે લાગણી દુભાવી દીધી...

કવેણ કીધાં છે પણ મન છે સાફ,
થાય તો મારા રાજ, કરજો મને માફ...



- જૈવિકા ડાભી

Monday 30 May 2016

મેહુલીયો

                           
                            અને આ ધોમધખતી ધરા પર મેઘરાજા એમની શાહી સવારી લઈને આવી ચૂક્યા છે.....હા સાચે...!! આખરે માનવજીવનના તપી ગયેલા જીવને ટાઢક આપવા મેહુલીયો મન મૂકીને નાચી ઉઠ્યો છે...ચારેકોર પાણી જ પાણી ને ઘનઘોર વાદળાંમાંથી પોકાર કરતો ગરજાટ...ને તન મનને શાંતિને ઠંડક આપતો વાયરો...

                            કોણજાણે કેટલા  દિવસોથી ગરમીનો પ્રકોપ સહન કરીને પણ પંખીઓ ગગનમાં પોતાનો રસ્તો ખેડતા હતાં. શરીરમાંથી આ કારમી ગરમીએ બધી તાકાત ચૂસી લીધી હોય તેમ પ્રાણીઓ પણ છાંયડામાં ક્યાંક ક્યાંક પોતાનો વિસામો શોધી એકીટસે બેસી જ રેહતા હતાં. ને લોકો...!! આ લોકોનું તો હવે શું કેહવું...!! આ તાપથી બચવા દુનિયાભરની અનેક નવી તકનીકો અપનાવી ચૂક્યા હતાં...ને આ બધાંને રાહત આપનારા સૌના મિત્રો એવા  વૃક્ષો પણ જાણે ઈશ્વરનો આદેશ માનતા હોય તેમ ગરમીમાં પણ અડીખમ ઊભાં રહીને સૌનું રક્ષણ કરતાં.
 
                              પરંતુ આજે હવે એ જ પંખીડા પોતાની પાંખો ફેલાવીને જાણે આ મેહુલાને આવકારી રહ્યાં છે. પ્રાણીઓ પોતાની તાકાત ફરી પાછી મેળવવા આશીર્વાદ સમાં વરસાદના પાણીમાં ભીંજાઈ રહ્યા છે. માણસો રોજના જીવનની કચકચ વીસરીને રસ્તાઓ પર વર્ષાઋતુનો પેહલો વરસાદ માણવા ઉમટી પડયા છે. ગાડીઓ પર તો ગાડીઓ પર ચ્હાની કીટલીએ જઈને ચ્હાની ચૂસકી માણી રહ્યા છે. ને ઘણાં મારી જેમ ઘરમાં જ રહીને આ આહલાદ્ક દ્રશ્યનો આનંદ લઇ પોતાના જીવને સંતોષી રહ્યાં છે.

                             બધાંય ઝાડવા જાણે પોતાના કામથી છૂટ્યા હોય ને ગરમીમાં થાકીને હારી ચૂક્યા હોય તેમ આ વાદળાના ગરજાટે ને મેહુલાના તાલે ઝૂમી ઉઠયા છે...!!

                             દૂર દૂર સુધી વરસાદનાં પાણીથી શાંતિના શ્વાસ લેવાઈ રહ્યા છે ને સર્વત્રે ખુશી ની રેલમછેલ થઇ રહી છે.

                             આ જ તો છે જીવન, અંધકાર પછી અજવાળું, દુઃખ પછી સુખ, અશ્રુઓ પછી સ્મિત ને... ને ઊનાળાની ગરમી પછી વરસાદની ટાઢક...!!

- જૈવિકા  ડાભી

Friday 20 May 2016

લગ્નજીવન ના અમૂલ્ય વર્ષ

   
લ્યો જોતજોતામાં એકબીજાને સહન કરીને  23 વર્ષ પૂરા કરી દીધાં...!

આજની પેઢીમાં એવી માન્યતા છે કે Arrange Marriage માં ક્યાં પ્રેમ હોય છે, ને ક્યાં અજાણ્યા વ્યક્તિ સાથે જીવન વીતાવવાનું, એમાં કેટલા ઝગડા હોય ને કેટલી કચકચ...

હું પણ કદાચ  એમાંની જ એક છું, પરંતુ જયારે મારા મમ્મી પપ્પા ને આટલા વર્ષો પછી પણ એકબીજા સાથે પ્રેમ ને  ગમ્મત કરતા જોઉં છું ત્યારે આ બધી માન્યતાઓ ખોટી ઠરે  છે.

પ્રભુ પાસે બસ એટલું જ માંગું છું કે આ પ્રેમ, વિશ્વાસ અને એકબીજાનો સાથ આવનારા તમામ વર્ષો સુધી આમ જ પવિત્ર અને કાયમ રહે...ને તમારા બંનેનો અઢળક પ્રેમ મને ને સંકેતને મળતો રહે...!!

ખુબ ખુબ વ્હાલ ને પ્રેમ...

  

-જૈવિકા ડાભી 

Saturday 16 April 2016

કાશી

આંગળી પકડી ચાલતા શીખવ્યું,
હાથ જોડી પ્રાર્થના શીખવી,
ખેતરે એ જતી, થાકી ને એ આવતી,
દુનિયાભરનું કામ જાણે મેં કર્યું હોય
એમ પોતાના હાથથી મને ખવડાવતી...

એના ગમતા સાડલાનું પણ
પારણું મને બનાવી આપતી,
પ્રેમભર્યાં કર્કશ અવાજમાં
હાલરડું પણ ગઈ સંભળાવતી
થાકેલા હાથથી ઝૂલાય ઝૂલાવતી...

નાના હાથને કામ શીખવવા,
સંસારની જવાબદારીઓ સમજાવવા,
મારા માથે ચારનો ભારોય મૂકતી,
કાંટો મને વાગતો,
ને આંસુ એ એના લુછતી...

મારી ભૂલો તો જાણે
કદી મારા ખાતે લખાઈ જ નઈ,
મારવા હારું કોઈનો હાથ ઉઠે
એ પેહલાં જ એનો હૂંફભર્યો પાલવ
મારા તને લપેટાઈ જતો...

હાથમાં કડછી ઝાલવી ન ગમતી,
"ઘરડાં હાથને મદદ કરને,"
કહીને ચૂલે બેસાડતી,
સાસરાનો ભય આપી,
રાંધતાંય શીખવાડતી...

ખબર જ ન પડી
કે ક્યારે એ જીવતીજાગતી
મારી દયાળુ "કાશી" માંથી
જાંબલી કોફીનમાં ફૂલોથી શણગારેલી,
એક લાશ બની ગઈ....

જીવનભર બે વસ્તુ કદી ન દીઠી
મારી જીવતી કાશી નો ગુસ્સો
ને મારી જીવતી કાશીનું છેલ્લું સ્મિત,
અભાગી હું કે છેલ્લી ઘડીએ,
મારા પર જીવ વેરનારી
મારી કાશી મને જ ભૂલી ગઈ....

-જૈવિકા ડાભી 

Monday 21 March 2016

અજાણતા ની જાણ

આંગળીના ટેરવે ગણાય એટલા દિવસ થયા છે,
કેટલો જાણું છું એને, એની જાણ નથી મને...

ખુશીની લેહેરો એના શરીર પર તરવડે છે,
હું કેમ એમાં તણાઉ છુ, એની જાણ નથી મને...

એના મુખ પર ઉદાસીનતા છવાઈ છે,
એનું દુખ મને કેમ થાય છે, એની જાણ નથી મને...

અબજો પ્રશ્નોનો ભંડાર એના મનમાં છલકાય છે,
જવાબ હું કેમ શોધું છું, એની જાણ નથી મને...

એના વર્તનમાં જરાક પણ બદલાવ વર્તાય છે,
એની અસર મને કેમ થાય છે, એની જાણ નથી મને...

એના વિશે કંઈ જ જાણ નથી મને,
છતાંય દિલમાં એના વિચારોની ચળવળ કેમ છે,

એની જાણ નથી મને...!!
એની જાણ નથી મને...!!


-જૈવિકા ડાભી
 


Thursday 10 March 2016

કોઈક ખાસ !!



વાત છે એ વ્યક્તિની,
જે પાસે છે મારા દિલની...

જયારે જોયો એને પેહલીવાર,
આવ્યો મનમાં એક વિચાર...

પાણી જેવું ખળખળતું હાસ્ય એનું,
ને બાળક જેવું ચંચળ મન એનું...

જીવનની એક એક ક્ષણ માણતો,
ને ક્ષણે ક્ષણે બનતી યાદોમાં માનતો...

ભલેને હોય એનું મન ઉદાસ,
પણ કદી ન થવા દે એનો આભાસ...

બીજાનું દુઃખ તો જાણે એનું પોતાનું,
ને એનું દુઃખ હોય બધાંથી છાનું...

ખાસ વ્યક્તિ માટે બધું કરી જાણતો,
ને એને જ પોતાનું જીવન માનતો...

જીવનના કઠીન માર્ગે રહ્યો મારી સાથ,
પણ ખબર નથી ક્યાં સુધી હશે એ મારી સાથ...??

સૂન થઇ જવાય છે તન મનથી,
એનાથી દૂર થવાના એક વિચાર માત્રથી...!!

પરંતુ હા,એક ખુશી રેહશે મને હંમેશ,
કે કદાચ હું પણ હતી એના માટે એક વ્યક્તિ વિશેષ...

- જૈવિકા ડાભી

Tuesday 16 February 2016

મૂંઝવણ !!

રેતીને દરિયામાં ભળવાની છે મૂંઝવણ,
ને મને તારી પાસે આવાની છે મૂંઝવણ...

તારાઓને આકાશમાંથી ખરવાની છે મૂંઝવણ,
ને મને તારાથી દૂર જવાની છે મૂંઝવણ...

સંગીતને તેના સૂર ચુકવાની છે મૂંઝવણ,
ને મને મારું હૈયું ગુમાવાની છે મૂંઝવણ...

આભને ધરા સાથે મળવાની છે મૂંઝવણ,
ને મને મારો આતમ સોંપવાની છે મૂંઝવણ...

તોફાનમાં ફસાયેલી નાવડી સમી છું ,
ને માત્ર એક સાચાં કિનારાને ઝંખું છું...

મારા અધૂરાપણાની મૂંઝવણ 
મૂંઝાશે કે કેમ તેનાથી વંચિત છું,
પણ તારા અધૂરાપણાની મૂંઝવણ મુંઝવીને
તારો હું સાથ બનવા ઈચ્છું  છું...



- જૈવિકા ડાભી